સુરતના અલથાણમાં દુઃખદ ઘટના : 13મા માળેથી માતા-પુત્ર પટકાતા કરુણ મોત

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં બુધવારે સાંજે હૃદયદ્રાવક ઘટના બની હતી. માર્તન્ડ હિલ્સ એપાર્ટમેન્ટના 13મા માળેથી માતા અને બે વર્ષના પુત્ર ભેદી રીતે પટકાતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ઘટનાની વિગત

મૂળ મહેસાણાના વતની તથા લૂમ્સનું કારખાનું ધરાવતા વિશ્લેષકુમાર પટેલ તેમના પરિવાર સાથે અલથાણ વિસ્તારમાં માર્તન્ડ હિલ્સ બિલ્ડીંગમાં રહે છે. તેમના પરિવારમા પત્ની પૂજા (ઉંમર 30) અને પુત્ર ક્રિશિવ (ઉંમર 2 વર્ષ) હતા.

બુધવારે સાંજે પૂજાબેન પોતાના પુત્ર સાથે સી-વીંગના 13મા માળે બ્લાઉઝ સીવડાવવા માટે ગયા હતા. પરંતુ થોડા સમય બાદ અચાનક માતા-પુત્ર ભેદી રીતે નીચે પટકાતા ભયાનક ઘટના બની.

ઘટનાસ્થળે ચકચાર

બિલ્ડીંગના પરિસરમાં ગણેશોત્સવ માટે સ્થાપિત પ્રતિમાથી માત્ર 50 મીટર દૂર જ માતા-પુત્ર પટકાતા દોડાદોડ મચી ગઈ હતી. ઘટના જોઈ રહેવાસીઓ અવાક રહી ગયા હતા અને સમગ્ર સોસાયટીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પોલીસ તપાસ ચાલુ

મૃતદેહોને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ આ ઘટના દુર્ઘટના છે કે અન્ય કોઈ કારણ છે, તેની તપાસ પોલીસે હાથ ધરી છે. રહેવાસીઓ પણ આ દુઃખદ ઘટના અંગે વિવિધ ચર્ચાઓ કરી રહ્યા છે.

Comments